-
Today 08-04-2025 02:40:pm
એક સિકંદર મર્યો ત્યારે પોતાના બંને હાથ જનાજાની બહાર રખાવ્યા જેથી દુનિયા જોઈ શકે કે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છીએ અને આખી દુનિયા જીતી લઈએ તો પણ ખાલી હાથે પાછું જવાનું છે અને એક સિકંદર છે જે આ દુનિયામાં મોજ મજા એશ અને ઐયાસી કરવા માટે લોકોના પરસેવાની કમાણી લૂંટતા નથી અચકાતો. સિકંદર સોઢા નામના આ શખ્શે ગેંગ બનાવીને સુરતના એક વેપારી પાસેથી 31.60 લાખ રૂપિયા આચકી લીધા અને ઉપરથી ધમકી આપી કે ગૃહ મંત્રીને પણ ફોન કરો અમારું કોઈ જ કાંઈ બગાડી નહીં શકે!
સુરતમાં રહેતા રમેશભાઈ પ્રજાપતિ અને તેના બે પુત્ર મયુર તથા હર્ષદ તેમજ ભત્રીજો મિતેશ ત્રણે સાથે મળીને સુરતમાં સોની ની દુકાન ચલાવે છે. થોડા સમય પૂર્વે સોના ની ખરીદી માટે તેમણે ઇન્ડિયા માર્ટમાં નોંધણી કરાવેલી અને તેના થોડા સમય પછી જ તેમને ભુજ થી પ્રણવ સોની નામના શખ્શે ફોન કરીને બજાર કરતા 25% સસ્તા ભાવે સોનુ વેચાતું આપવાની વાત કરી હતી. આ લોકોએ અનેક વખત ખરાઈ કરી અને પછી એક કિલો સોનુ લેવાની વાત નક્કી કરતા તેમને પોતાની પાસે હતી તે તમામ મૂડી વગેરે લઈને અને ગોલ્ડ લોન લઈને એક સાથે છ જણ ભુજ આવેલા જેથી તેમની સાથે કોઈ ચીટીંગ ન કરી શકે. આમ છતાં સિકંદરની ગેંગે તેમને તૈયેબા ટાઉનશીપમાં બોલાવીને એક રૂમમાં પૂરીને પૈસા આંચકી લીધા હતા અને પછી ધાક ધમકી આપીને અમદાવાદ મોકલી આપ્યા હતા. જોકે પોતાની તમામ બચત અને ઓળખીતા પાસેથી ઉધાર લઈને આવેલા રમેશભાઈ પ્રજાપતિએ ભુજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને ન્યાય માટે ઘા નાખી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સિકંદરની ગેંગમાં છ થી આઠ લોકો છે અને તેઓ છાશવારે ગુના કરવા માટે ટેવાયેલા છે. કાયદાની છટકબારી ના કારણે તેઓ ગુનો કરીને જામીન પર છૂટે છે અને ફરી એક વખત એ જ ગુનો કરીને લોકોનો પરસેવાની કમાણી લૂંટીને છેતરપિંડી થી પડાવીને પછી દારૂ અને એસ આરામમાં એ પૈસા ઉડાડીને ફરી પાછા શિકાર શોધવામાં લાગી જાય છે. આમાં અફસોસ ની વાત એ છે કે આ લોકોનો કેસ નબળું પાડવાથી માંડીને ફરિયાદી સાથે ગોઠવણ કરવા સહિતની તમામ સગવડ ખુદ પોલીસ કર્મચારીઓ પૂરી પાડતા હોવાની ખુલ્લેઆમ ચર્ચા છે. આ ચીટરો દેશ દુનિયામાંથી શિકાર શોભે છે અને હવે તો સોશિયલ મીડિયા નું શસ્ત્ર પણ તેમના હાથમાં આવી ગયું છે તેઓ ભણેલા ગણેલા યુવાનોને કમિશનની લાલચ આપીને સોશિયલ મીડિયામાં રીતસર પોતાના ધંધાની જાહેરાત આપવા માટે રોકે છે અને શિકાર પેટે તેમને સારું એવું કમિશન પણ આપે છે. પોલીસ અધિકારીઓ આ બાબતે ઊંડા ઊતરે તો ઘણા લોકોને ચીટરો ના હાથમાં સપડાતા પૂર્વે જ બચાવી શકાય તેમ છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે અમુક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પોતે જ ચીટરો સાથે હાથ મિલાવીને કામ કરી રહ્યા છે જેના કારણે સિકંદર એવા ચિટરો સસ્તા સોનાની લાલચમાં આવેલા લોકોના મુકદ્દર બદલવામાં સફળ થઈ જાય છે.