-
Today 03-03-2026 08:05:am


કચ્છ યુનિવર્સિટીને વારંવાર વિવાદ નો એરુ આભડતો રહે છે.આ વખતે ભરતી પ્રક્રિયા માં લાગતા વળગતા લોકો ને સાચવી લેવામાં આવ્યા હોવાના ખુલ્લા આક્ષેપ થયા છે અને ગાંધીનગર ખાતેથી સમગ્ર બાબતે તપાસ માટે ટીમ આવી હોવાની વેહતી થયેલી વાતો વચ્ચે યુનિવર્સિટી ના કુલપતિ એ સમગ્ર પ્રક્રિયા નિયમાનુસાર અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર પૂર્ણ કરવામાં આવી હોવાની કેફીયત આપી છે. ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની કાયમી ભરતીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો કચ્છના એડવોકેટ અને સામાજિક કાર્યકર એવા રમેશ ગરવા દ્વારા કરવામાં આવ્યા છે. આ ભરતી પ્રક્રિયામાં 16 જેટલા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તેમજ રજિસ્ટ્રારના અંગત મદદનીશ માટે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા 2 સહિત 5 લાગતા વળગતા કર્મચારીઓ પાસે કોઇપણ પ્રકારની લાયકાત માટે જરૂરી અનુભવ ન હોવા છતાં તેમજ યુજીસીના સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ કે એક્ટનો ખુલ્લેઆમ ભંગ કરીને કાયમી ઓર્ડર આપી નિમણૂક કરવામાં આવતા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ખુલ્લો આક્ષેપ થતા શિક્ષણ જગતમાં ભર શિયાળે ગરમાવો આવી ગયો છે. એડવોકેટ રમેશ ગરવાએ જણાવ્યા પ્રમાણે ગત વર્ષે માર્ચ માસમાં કોઇપણ નોટિફિકેશન નંબર કે આઉટવર્ડ નંબર વિના ભરતી માટેની જાહેરાત આપી દેવામાં આવી હતી અને તેના પછીના 9 મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂરી કરીને 26 ડિસેમ્બરના રોજ 5 લાગતા વળગતા કર્મચારીઓને ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક આપી દેવામાં આવી હતી અને 28મી ડિસેમ્બરે તેમને હોદ્દાની ફાળવણી કરી દેવામાં આવી . આ ભરતી કૌભાંડ સંદર્ભે અન્યો ઉમેદવારો સાથે પણ અન્યાય થયો હોવાના આક્ષેપ તેમણે કર્યો છે . બીજી બાજુ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવામાં આવશે. જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે યોગ્ય લાયકાત ધરાવતા તેમજ ભરતી પ્રક્રિયામાં માંગવામાં આવેલી લાયકાત તેમજ અનુભવ ધરાવે છે, અને તેવા ઉમેદવારોને જ નિમણૂક આપવામાં આવી છે.નિમણુક આપવામાં આવી છે તે પાંચે ઉમેદવારો લાંબા સમયથી કચ્છ યુંનીવર્સિટીમાં જ કામ કરી રહ્યા હતા. કોઈપણ પ્રકારની ગેરરીતિ આ ભરતી પ્રક્રિયામાં આચરવામાં આવી ન હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો હતો.