-
Today 08-04-2025 01:44:pm
ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 25 થી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ નો વ્યાપ વધે એના માટે અને છેવાડાના વિસ્તારોના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સ્થાનિક વિસ્તારોમાં જ તક મળી રહે એ હેતુથી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે. આ એક્સટેન્શન સેન્ટરોમાં B.A. નો કોર્ષ (અભ્યાસક્રમ) ચલાવવામાં આવે છે. આ સેન્ટરોમાં એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, કે જેમને અપડાઉન કરવું શક્ય નથી, ઘરની આર્થિક જવાબદારીઓ જેમના માથે છે, સામાજિક બંધનો જેમને નડી રહ્યા છે, આવા વિદ્યાર્થી ભાઈ બહેનો આ સેન્ટરોમાં અભ્યાસ કરી પોતાની ઉચ્ચ શિક્ષણની ભૂખ સંતોષી રહ્યા છે. આ એક્સટેન્શન સેન્ટરો પૈકી ખાવડા ખાતે ચાલી રહેલા એક્સટેન્શન સેન્ટરમાં કચ્છના છેવાડાના પાકિસ્તાન બોર્ડર પરના છેલ્લા ગામ એવા કુરન ખાતેથી સાકુબા રવાજી સોઢા નામની દીકરી ખાવડા ખાતે અભ્યાસ અર્થે આવે છે. આ દીકરી બંને હાથે દિવ્યાંગ છે. બંને હાથે દિવ્યાંગ આ દીકરી પોતાના પગ વડે પરીક્ષાના પેપરો લખી રહી છે. આ દીકરીની ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઝંખના છે, એમના પરિવારમાં પિતા ખેતી કરે છે અને આ દીકરી કરી રહી છે પોતાની મહેનત વડે પોતાના સપનાનું વાવેતર એક નોખી અનોખી રીતે.