-
Today 08-04-2025 01:42:pm
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છની ઘોરીનસ સમાન છે, તેને કચ્છની લાઈફલાઈન કહી શકાય પરંતુ આ લાઈફ લાઈન હવે અનેકની જીવનરેખા ટૂંકી કરનાર આપત્તિ બની રહી છે. કચ્છના હાઇવે પર અનેક લોકોનો ભોગ લેતા અને મહાકાય મોત બનીને ફરતા ટ્રેલર અને ટ્રક ચાલકો પર રોક કોણ લગાવશે? ગઈકાલે માધાપર નો કિસ્સો સમાજ માટે આંખ ઉઘાડનારો અને અત્યંત ચોંકાવનારો બની રહ્યો છે. કોઈ રસ્તાની વચ્ચે હોય અથવા તો રાહ ચાલતાં અડફેટે ચડી જાય પરંતુ અહીં તો 56 વર્ષના વ્યક્તિએ સામે મોત બનીને આવતા ટ્રક ને જોઈને બ્રેક મારીને ગાડી ઉભી રાખી દીધી છતાં તેના મોટર સાઇકલ પર અંધાધુંધ રીતે ગાડી ચલાવતા ટ્રક ચાલકે ટ્રક ચડાવી દીધો અને માત્ર એટલું જ નહીં તેને ઘણી લાંબે સુધી કચડીને ખેંચ્યો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ જોઈને ગમે તેવો કઠણ કાળજાનો માનવી પણ કંપી ઉઠે તેવા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. માધાપર ના ઇન્દ્રવેલા સર્કલ પાસે ઘટેલી અકસ્માતની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે અને તેથી જ સૌ કોઈ ચોકી ઉઠયા છે. શનિવારે બનેલી આ દુર્ઘટના અંગે પોલીસે તાત્કાલિક એક્શન લઈને 26 વર્ષના આહિર ડ્રાઇવરને પકડી પાડ્યો છે અને તેની સામે આકરી કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી હોવાનું કચ્છ એસપી એ જણાવ્યું છે. દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થાય અને આપણી નજરે ચડે તો જ તેની ગંભીરતા બાકી ખાવડા અને નખત્રાણા રોડ પર મોત બનીને ભમતા ટ્રક અને ટ્રેલર ચાલકો તેમજ ડમ્પર ચાલકો પર કોઈ જ અંકુશ નથી અને આ લોકો છાશવારે નિર્દોષ લોકોનો ભોગ લેતા રહે છે. ટ્રક ડ્રાઇવરો ફાટયા ફરે છે અને રસ્તા તેમની બાપા ની મિલકત હોય તેમ આડેધડ વાહન ચલાવીને લોકોના જીવન જોખમમાં મૂકે છે તેની પાછળનું એક મોટું કારણ ટ્રાન્સપોર્ટ કંપનીઓ ચલાવતા રાજકીય નેતાઓ પણ ખરા. ટ્રક ડ્રાઇવરોને પોતાના માલિકો ની સત્તાનો નશો હોય છે અને તેથી તેમને એમ લાગે છે કે ગમે તેવો અકસ્માત કર્યા બાદ પણ તેઓ છૂટી જશે અને આવું બને પણ છે. કચ્છમાં મહિને દાડે બનતા અકસ્માતો અને તેની સામે અકસ્માત સર્જાનારા સામે કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહી અને જે સજા સુધી પહોંચી હોય તેવી તેવી કાર્યવાહી ના આંકડા જોઈએ તો ચોકી ઉઠાય તેવી પૂરી શક્યતા ખરી. ખાવડા રોડ પર ઈકો ગાડી પર પેસેન્જર ને બેસાડીને જતા ડ્રાઇવર સામે પોલીસે તાત્કાલિક પગલા ભર્યા જે પ્રશંસનીય બાબત છે પરંતુ સરકારનું જ એક અન્ય તંત્ર જો યોગ્ય વાહન વ્યવહાર સરહદી વિસ્તારમાં પૂરો પાડે તો સ્વાભાવિક છે કે ઉતારુંઓને અથવા તો ગાડી ચલાવનાર બંનેને ગાડીમાં ઠાંસી ઠાંસીને યાત્રી ભરવા ના પડે અથવા તો લોકો ને જોખમી રીતે મુસાફરી કરવી ન પડે. સરહદી વિસ્તારમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં જવા માટે ભુજથી દિવસની માંડ એક કે બે બસ ઉપડતી હોય અને તેમાં પણ લોકો ઠાંસી ઠાંસીને ભરેલા હોય ત્યારે લોકો આવી રીતે યાત્રા કરવા માટે મજબૂર બને છે એ પણ એક હકીકત છે જે સામે એસટી અને પરિવહન નિગમ બંને દ્વારા ધ્યાન દેવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ થાય અને લોકોને રાહત મળે. ઓવર લોડ ટ્રક અને ડમ્પર ચાલકોને રોકીને રેગ્યુલર તેમના લાઇસન્સ ચેક કરવામાં આવે અને સિટીમાં લોકોએ નશો કરીને ગાડી ચલાવે છે કે કેમ તેવા ટેસ્ટ કરતા પોલીસ કર્મચારીઓ ખરેખર હાઇવે પર ટ્રક ચલાવતા આ લોકોના ટેસ્ટ કરે તો ૫૦ ટકાથી વધુ ડ્રાઇવર નશાની હાલતમાં ગાડી ચલાવતા હોવાનું માલુમ પડશે. ખાસ કરીને ખાવડા, નખત્રાણા, અબડાસા વિસ્તારમાં ચાલતા ટ્રક અને ડમ્પર ચાલકો નશામાં અકસ્માત સર્જે છે તેવી અનેક ફરિયાદો વારંવાર ઊઠવા પામી છે ત્યારે પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા આ બાબતે પણ યોગ્ય પગલાં લે તો અનેક નિર્દોષ માનવ જીવ બચાવી શકાશે