-
Today 04-08-2025 01:34:pm
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તારમાં તાત્કાલિક અસરથી દબાણ હટાવો ઝુંબેશ મુલત્વી રાખવા સરકાર ને પત્ર લખી તાકીદ કરવામાં આવી છે .માત્ર એટલું જ નહીં મોટા મોટા દબાણકારો પર એક્સન લેવા પડકાર ફેંકી નાના લોકો ને હાલ બેહાલ ના કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. તેમણે સરકાર ને મોકલેલા એક વિસ્તૃત પત્ર માં લખ્યું છે કે હાલમાં સરકાર દ્વારા અબડાસા વિસ્તારમાં દબાણો હટાવવાની જે નોટીસો આપેલ છે જેના અનુસંધાને જણાવવાનું કે સરકારી જમીનો પર નાના ગરીબ માણસો જેઓના BPL માં નામ નથી આવ્યા તેવા નાના લોકો કાચા-પાકા મકાનો કે ઝુંપડાઓ બનાવીને રહે છે તેમજ અમુક માલધારીઓ જે પશુઓ માટે વડીલોપાર્જિત વાડાઓ ધરાવે છે તે પશુપાલકો અને અમુક લોકો નાની મોટી કેબીન, ચાની લારી કે હોટેલ, લોજ વગેરે કરીને માંડ માંડ ધંધો રોજગારી મેળવી રહ્યા છે તે હકીકત છે. ત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં મારા વિસ્તારમાં કોઈ રોડ-રસ્તા, આરોગ્ય વિષયક, શૈક્ષણિક હેતુ વગેરે માટે કોઈ જમીનોનો ઉપયોગ કરવાનો નથી કે કોઈ વિકાસનું કામ કે કોઈ ડેવલપમેન્ટ કરવાનું કોઈ આયોજન નથી અને કોઈને કંઈ અડચણરૂપ પણ નથી તેવા ગરીબ અને નાના લોકોના દબાણો હટાવવાનું કોઈ કારણ રહેતું નથી. શહેરો અને મહાનગર પાલિકા વિસ્તારોમાં જમીનો કીમતી છે. ત્યાંની અને અહિંયાની પરિસ્થિતિ જુદી છે. આમ, ગામડાઓથી શહેરોની પરિસ્થિતિ અલગ હોય છે. અહીં બોર્ડર વિસ્તાર છે. રોજગારીના સહેજે વાંધા છે, માટે જો અહીં આવું કરવામાં આવશે તો ના છુટકે આ વિસ્તારનાં લોકોને અહીંથી સ્થળાંતર કરવું પડેશે. તેમજ એક બાબત ખાસ જણાવવાની કે જો આ દબાણ કહેવામાં આવે છે તો અમારે તો જેમ પંચાયતીરાજ અમલમાં આવ્યું ત્યારથી આ ગામો રેવન્યુમાં ચડેલા નથી, તો શું આ આખે આખા ગામોને દબાણમાં ગણવા.?તેવો સવાલ પણ તેમણે પત્ર માં ઉઠાવ્યો છે. તદુપરાંત પત્ર માં ઉલ્લેખ કરવાના આવ્યો છે કે જે મોટા ગુનેગારો છે અને પ્રજા તેમનાંથી ત્રસ્ત છે તેવા ગુનેગારોનું દબાણ હટાવવું વાજબી છે, પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો-મોટો કેશ થયો હોય અને હાલે કોઈ કેશ બાકી ન હોય અને કેશો પુરા થઇ ગયા હોય અને હાલે સારી રીતે સામાજિક જીવન ગુજરી રહ્યા હોય તેવા લોકોને નોટીસો આપી કે દબાણ હટાવીને માનશીક ત્રાસ આપવો યોગ્ય નથી અને વ્યાજબી નથી. તેમજ ખાસ જણાવવાનું કે જે મોટા ખનીજચોરો છે તેઓની ખનીજચોરી બંદ કરાવવા અમો દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવે છે તે બંદ કરાવો અને જ્યાં મોટા મોટા બિલ્ડરો અને ભુમાફીયાઓએ બિલ્ડીગો બનાવીને દબાણો કર્યા છે તે જમીનો ખુલી કરાવવી જરૂરી છે તેમજ મોટા મોટા ઉદ્યોગોએ અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીનમાં પણ ઉદ્યોગો દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવી રહ્યું છે તે ખુલ્લું કરાવવું જોઈએ.! ત્યારે જે હોશિયાર માણસો છે તેવા લોકો તો આવી સરકારી જમીનો પાસ કરાવીને વેચી પણ નાખે છે પણ જે અણસમજુ અને નાના માણસો છે તેવા લોકો જ આવા દબાણો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. માટે કીડીના ચોરને 302 અને હાથીનાં ચોરને પણ 302..! ત્યારે કોઈક નાના માણસની મજબુરીઓ પણ સમજવાની પણ આપણે કોશિશ કરવી જોઈએ અને આના માટે થોડું મંથન કરવું જોઈએ, માટે હાલમાં સરકાર દ્વારા આ વિસ્તારમાં કોઈ વિકાસ કાર્યો અને કોઈ નવું પ્લાનીંગ પણ કરવાનું નથી, તો ખોટી રીતે નોટીશો આપીને લોકોને માનશીક ત્રાસ ન આપવામાં આવે અને જયારે કોઈ વિકાસનું કામ કરવાનું હશે ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્રને સાથ સહકાર આપીશું તેમજ અમુક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે નાના માણસોને કનડગત કરે છે. પ્રદ્યુમનસિંહ એ કચ્છના પ્રભારી મંત્રી સહિત તમામ ને લખેલા પત્ર માં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે નાના માણસોને કનડગત કરવી એ કામગીરી ન કહેવાય, અને અધિકારીઓ પણ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે સૌ જાણે છે, ત્યારે અધિકારીઓ દ્વારા મારા વિસ્તારમાં જે વિકાસના કામો મંજુર થયેલા છે અને મીટીંગો થઇ ચુકી છે તેવા કામો પૂર્ણ કરવા ધ્યાન આપવામાં આવતું નથી અને ન કરવાના કામો કરવામાં આવે છે જે બાબતે મારી સખત નારાજગી છે અને એક એ બાબત પણ નોંધનીય કે લોકોની મજબુરી અમે ન સાંભળીએ અને અમારી રજુઆત તમે ન સાંભળો તો ચુંટાયેલા પ્રતિનિધિઓનો કોઈ મતલબ નથી.! તદુપરાંત અમુક લોકો જે RTI ના નામે વારંવાર ખોટી રીતે લોકોને બ્લેક મેઈલ કરવાનાં ઈરાદાથી સાચી ખોટી અરજીઓ કરીને દબાણો દુર કરવા અરજીઓ કરતા હોય તો તેની પણ ખરાઈ કરવી જોઈએ. તેમણે પત્ર માં વધુ માં લખ્યું છે કે ,ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને રાખીને તેમજ સ્થાનિક ગામડાઓની પરિસ્થિતિ જાણીને મનોમંથન કરીને તેમજ નાના માણસોની રોજીરોટી સામે જોઈ માનવીય અભિગમ દાખવીને મારા અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં તાત્કાલિક અસરથી હાલ પુરતી દબાણ હટાવો ઝુંબેશ મુલત્વી રાખવા અપીલ કરવામાં આવી છે.