-
Today 03-03-2026 09:37:am
.jpg)

ભુજ: માઇનોરીટી કોઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા તારીખ 18 ડિસેમ્બર 2025 ના રોજ ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરવાની સાથે ચર્ચા સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં લઘુમતી સમુદાયના બંધારણીય અધિકારો, વિકાસ અને રક્ષણ સંબંધિત મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં MCC ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે માઈનોરીટી કોઓર્ડીનેશન કમિટી (MCC)ની સ્થાપના 18 ડિસેમ્બર 2016ના રોજ લઘુમતી સમુદાયના પ્રશ્નો પર સઘન સંશોધન કરીને તેમના અધિકારો માટે સંઘર્ષ કરવા માટે કરવામાં આવી હતી. આજના સમયમાં લઘુમતીઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે, ત્યારે દરેક જાગૃત વ્યક્તિએ પોતાની કક્ષાએ અધિકારોના રક્ષણ માટે કાર્ય કરવું જરૂરી છે. તેમણે આવનારા સમયમાં દરેકને પોતાના વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ પણ લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરવા માટે અનુરોધ કર્યો હતો. સામાજિક કાર્યકર ઉસ્માન ગની શેરસિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુમતી કલ્યાણ માટે અલગ મંત્રાલય અથવા વિભાગનો અભાવ, લઘુમતી આયોગની રચના ન થવી, લઘુમતી વિસ્તારોમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અછત, મદ્રેસા શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા ન મળવી તથા સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સ્પષ્ટ નીતિ ન હોવા જેવા મુદ્દાઓ ગંભીર ચિંતાજનક છે, જેને લઈ MCCના માધ્યમથી મુસ્લિમ સમાજ દ્વારા માંગ વધુ પ્રબળ બની છે. કચ્છના રાજકીય અને સામાજિક આગેવાન આદમભાઈ ચાકીએ કાયદાકીય રીતે મજબૂત બનીને સમાજ માટે પરિણામલક્ષી કાર્ય કરવાની હાકલ કરી હતી. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રાએ તેમજ આણંદના ઇકબાલભાઈ પટ્ટણીએ યુવાનોને સમાજહિત માટે આગળ આવવા તથા સંવેદનશીલ મુદાઓ પર યુવાનોને વડીલોનું માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મ મળવું જોઈએ તેના પર ભાર મૂક્યો હતો.
કચ્છ અંજુમન એ ઇસ્લામના સાજીદભાઈ માણેકે મુસ્લિમોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ માટે ઉપયોગી બનવું જોઈએ તેમ જણાવ્યું હતું, અશરફભાઈ મેમણે બંધારણ મુજબ લઘુમતીની વ્યાખ્યા સમજાવી લઘુમતી અધિકારોના મહત્વ વિશે વાત કરી હતી. મહેસાણાના હાજિથી આવેલા વહાબભાઇ અન્સારીએ સમાજના ગરીબ વર્ગ સુધી માનવીય અધિકારોની સમજ પહોંચાડવા માટે પ્રયત્ન કરવાની જરૂરિયાત જણાવી હતી. સામાજિક કાર્યકર મોહસીનભાઈ હિંગોરજાએ પોતાના અહમને ત્યજી સમાજના મુદ્દાઓ માટે કાર્યરત સંસ્થાઓ, સંગઠનો અને વ્યક્તિઓને સમર્થન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભાવનગરના તૌફીકભાઈ શૈખે તાજેતરના કેસનો ઉલ્લેખ કરીને સૌને સક્રિય ભાગીદારી સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી. હિંમતનગરના નિસાર શૈખ (ચનાવાલા) એ MCCના અત્યાર સુધીના કાર્યોની પ્રશંસા કરી હતી, જ્યારે ગાંધીધામના યાકુબભાઈ સમાએ યુવાવર્ગને કાયદાનું શિક્ષણ મેળવી બંધારણીય હકો માટે જાગૃત થવાની જરૂરિયાત જણાવી હતી. કાર્યક્રમમાં MCC દ્વારા સરકાર સમક્ષ લઘુમતી સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાજ્યના બજેટમાં યોગ્ય ફાળવણી, વિશેષ આર્થિક પેકેજ, પ્રધાનમંત્રીના નવા 15 મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણ અમલ તેમજ સાંપ્રદાયિક હિંસાથી પીડિતોના પુનર્વસન માટે નક્કર નીતિ બનાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ અંગે સંયુક્ત રજૂઆત કરીને સરકાર સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સૈયદ અબ્દુલ્લાશા જીલાની, સૈયદ અશરફશા જાયસી નક્શબંદી, વહાબ ભયુ મમણ (વરનોરા) સહિતના સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો તેમજ વિવિધ વર્ગોના લોકો અને લઘુમતી સમુદાયના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સૈયદ અલીઅસગર બાવા દ્વારા તીલાવતે કુરઆન શરીફથી કરવામાં આવી હતી અને જમીયતે એહલે હદીસના અમીર જુણસ જામઈએ દુઆએ ખૈર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહમ્મદભાઈ લાખાએ કર્યું હતું, અંતે MCC ગુજરાત દ્વારા લઘુમતી અધિકારો માટે લોકશાહી અને બંધારણીય માર્ગે સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.