-
Today 24-06-2026 01:08:pm


વરનોરા અને રાયધણપર ગામના અમુક લોકો વચ્ચે થયેલી માથાકૂટ અને ઝઘડા બાદ તાજેતરમાં તંત્ર દ્વારા માત્ર વરનોરા ગામના લોકોને આપવામાં આવેલી નોટિસો અને ડિમોલિશન કાર્યવાહી વિવાદમાં સપડાઈ છે. વરનોરા ગામના અનેક પરિવારોને માત્ર બે દિવસની મુદત આપતી નોટિસો ફટકારવામાં આવી હતી, જેમાં ગંભીર કાનૂની અને પ્રક્રિયાગત ખામીઓ હોવાનો અસરગ્રસ્ત પરિવારોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. અસરગ્રસ્ત પરિવારોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા અપાયેલી નોટિસોમાં અનેક વિસંગતતાઓ સામે આવી છે. કેટલીક નોટિસોમાં અલગ-અલગ અધિકારીઓની સહીઓ જોવા મળી હતી. ગ્રામ પંચાયતના નામે જારી કરાયેલી આ નોટિસો પર ગ્રામ પંચાયતનો સત્તાવાર સિક્કો પણ ન હતો. આ ઉપરાંત જરૂરી વહીવટી પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ ઉતાવળે કાર્યવાહી કરાઈ હોવાનો આરોપ છે. નોટિસ મળ્યા બાદ ગામલોકોએ તાત્કાલિક લેખિતમાં જવાબ આપ્યો હતો. સાથે જ પોતાની માલિકી અને કબજાના પુરાવા તરીકે લાલ બુક, મકાનવેરાની રસીદો, વીજ બિલ અને અન્ય સંબંધિત દસ્તાવેજો તંત્ર સમક્ષ રજૂ કર્યા હતા. ગામલોકોએ સ્પષ્ટ કર્યું કે આ તમામ મકાનો વર્ષોથી ગ્રામ પંચાયતના સત્તાવાર રેકોર્ડમાં નોંધાયેલા છે અને નિયમિત વેરો ભરવામાં આવે છે. તેમ છતાં, ગામલોકોના જણાવ્યા મુજબ, પુરાવા રજૂ કર્યા બાદ એક જ દિવસે અલગ-અલગ તારીખો દર્શાવતી વધુ બે નોટિસો આપવામાં આવી. આ નોટિસોમાં પણ જવાબ આપવા માટે માત્ર બે દિવસની જ મુદત આપવામાં આવી હતી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ હોવાનું ગ્રામજનો જણાવે છે. પ્રાપ્ત વિગતો મુજબ આ નોટિસો ગ્રામ પંચાયતના નામે જારી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં નાના વરનોરા વિસ્તારને લઈને પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ગ્રામજનોનો આરોપ છે કે સમગ્ર કાર્યવાહી પાછળ કોઈ પૂર્વગ્રહ કે દબાણ કામ કરી રહ્યું છે.
ગામ ના અસરગ્રસ્ત પરિવારોએ માંગ કરી છે કે 1. આપવામાં આવેલી નોટિસોની કાયદેસરતા અને પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. 2. ગ્રામ પંચાયતના રેકોર્ડમાં નોંધાયેલા મકાનો સામેની કાર્યવાહી તાત્કાલિક અટકાવવામાં આવે. 3. કોઈપણ કાર્યવાહી પહેલા પરિવારોને પૂરતો સમય અને સાંભળવાની યોગ્ય તક આપવામાં આવે. ગામના આગેવાનોએ જણાવ્યું કે જો ન્યાય નહીં મળે તો તેઓ કલેક્ટર કચેરી તેમજ માનવ અધિકાર પંચ સુધી રજૂઆત કરશે. હાલ ગામમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. આ મામલે તંત્રનો પક્ષ જાણવા પ્રયાસ કરાયો હતો, પરંતુ સમાચાર લખાયા ત્યાં સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી .મોહસિન હિંગોરજા સંસ્થાપક મુસ્લિમ યુવા કૉર કમિટી, કચ્છ તેમજ કાર્યકારી પ્રમુખ મહમદ એ લાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અમે વરનોરા ગામના લોકો કોઈપણ અસામાજિક તત્વોને સાથ આપતા નથી અને બાજુના ગામ સાથે અમુક લોકો ને જે કોઈ માથાકૂટ થઈ તેને અમે વખોડી કાઢી હતી તેમજ ગામના આગેવાન લોકોએ સાથે મળીને ઝઘડો કરનારા તત્વોને સમગ્ર તંત્રને સાથ આપીને સામેથી પોલીસ સમક્ષ હાજર કરી દીધા હતા આમ છતાં ગામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને અનેક નિર્દોષોના માથા પરની આ કારમાં ઉનાળામાં છીનવી લેવામાં આવી. ગામ લોકો એ નોટિસ મળ્યા બાદ હાઇકોર્ટ સુધી રજૂઆત કરી અને હાઇકોર્ટ થી ઓર્ડર લઈ આવ્યા છતાં ટીડીઓ તલાટી સહિતના લોકોએ હાઇકોર્ટના હુકમનો અનાદર કરીને પણ નિર્દોષ લોકો ના મકાન પર ફેરવી દીધું તેમ જ દે વનોરા ગામના લોકો વિરોધ નોંધાવ્યો છે અને તેઓ ગુરુવારે કલેકટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરશે જેમાં કચ્છના તમામ ન્યાયપ્રેમી સમાજના લોકોને જોડાવા ગામના પીઢ આગેવાન એવા અબ્દુલ વહાબ ભાઈ ભચુએ અપીલ કરી છે