-
Today 24-06-2026 01:03:pm


કચ્છ જિલ્લાના ઔદ્યોગિક અને સમુદ્રી વેપારના કેન્દ્ર મુંદ્રાને હવે હવાઈ કનેક્ટિવિટીની ભેટ મળી છે. ભુજ અને કંડલા બાદ મુંદ્રા ખાતે કચ્છનું ત્રીજું એરપોર્ટ નવનિર્મિત પેસેન્જર ટર્મિનલ સાથે તૈયાર થઈ ગયું છે. આગામી 23 જૂન 2026થી અહીંથી વ્યાવસાયિક હવાઈ સેવાઓનો પ્રારંભ થશે અને વિકાસના નવા અધ્યાયનો શુભારંભ થશે. આજે નવનિર્મિત મુંદ્રા એરપોર્ટ ખાતે વિધિવત પૂજા-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ સત્તાધીશો, સ્થાનિક આગેવાનો અને ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં એરપોર્ટના નિર્વિઘ્ન સંચાલન માટે પ્રાર્થના કરાઈ હતી. મુંદ્રા એરપોર્ટથી સ્ટાર એર દ્વારા પ્રારંભિક તબક્કામાં દેશના પાંચ મુખ્ય શહેરો માટે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે મુંબઈ,ગોવા (મોપા),હિન્ડન,દિલ્હી-NCR,સુરત,બેંગલુર સાથે જોડાશે . આ કનેક્ટિવિટીથી મુંદ્રા પોર્ટ, SEZ, અદાણી ગ્રુપના વિવિધ પ્રોજેક્ટ્સ અને આસપાસના ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, અધિકારીઓ અને કર્મચારીઓને સીધો ફાયદો થશે. નવા એરપોર્ટને મુસાફરોની સુવિધા માટે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે ATR-72 જેવા વિમાનો માટે સક્ષમ આધુનિક ચેક-ઇન કાઉન્ટર, વિશાળ એરકન્ડિશન્ડ વેઈટિંગ લાઉન્જ,પાર્કિંગ, ડ્રોપ-ઓફ ઝોન, વ્હીલચેર સુવિધા , એરકન્ડિશન્ડ ફૂડ કોર્ટ અને હરિયાળું લેન્ડસ્કેપિંગ વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. એરપોર્ટ સુધી પહોંચતા માર્ગોના સુધારણા અને છેલ્લા માઈલ કનેક્ટિવિટી વધારવાના કાર્યો પણ પૂર્ણતાના આરે છે. અત્યાર સુધી મુંદ્રા પંથકના લોકોએ મુંબઈ, અમદાવાદ કે દિલ્હી જવા માટે ભુજ કે કંડલા એરપોર્ટ સુધી 60-70 કિમીની મુસાફરી કરવી પડતી હતી. હવે ઘરઆંગણે જ હવાઈ સુવિધા મળતાં સમય અને ખર્ચની બચત થશે. સ્થાનિક વેપારી અગ્રણીઓના મતે, સમુદ્રી વેપારનું કેન્દ્ર ગણાતું મુંદ્રા હવે હવાઈ માર્ગે પણ દેશના વિવિધ શહેરો સાથે મજબૂત રીતે જોડાતાં લોજિસ્ટિક્સ, ટ્રેડ, રોકાણ અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી થશે. કચ્છ જિલ્લામાં ત્રણ કાર્યરત એરપોર્ટ – ભુજ, કંડલા અને મુંદ્રા – સાથે ગુજરાતમાં હવાઈ કનેક્ટિવિટીનું સૌથી મજબૂત નેટવર્ક ધરાવતો જિલ્લો બન્યો છે.