-
Today 24-06-2026 12:59:pm
.jpg)

ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાં વહીવટી તંત્ર દ્વારા મુસ્લિમ સમુદાયની દુકાનો અને મકાનો તોડી પાડવાની કાર્યવાહી બાદ કચ્છના મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આજે કચ્છના મુસ્લિમ આગેવાનો અને મોટી સંખ્યામાં સમુદાયના લોકો ભુજ કલેક્ટર કચેરીએ એકત્ર થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ ચીમકી આપી હતી કે હવે પછી કચ્છમાં મુસ્લિમ ધર્મસ્થાનો વિરુદ્ધ એકતરફી બુલડોઝર કાર્યવાહી કરવામાં આવશે તો સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજ દ્વારા જેલભરો આંદોલન છેડવામાં આવશે. થોડા દિવસો પહેલા ભુજ તાલુકાના નાના વરનોરા અને રાયધણપર ગામના કેટલાક યુવાનો વચ્ચે બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી. આ ઘટનાના પગલે પોલીસ તંત્ર દ્વારા નાના વરનોરા ગામમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગામલોકોના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા આ ઘટના સાથે કોઈ જ સંબંધ ન ધરાવતા પાંચ સગીર બાળકો સહિત અનેક નિર્દોષ લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તંત્ર અને ગામના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે જો ઘટનામાં સંડોવાયેલા વ્યક્તિઓને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવશે તો નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવશે નહીં. ગામલોકોએ વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો અને પોલીસ દ્વારા જણાવવામાં આવેલા તમામ વ્યક્તિઓને પોલીસ સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યા હતી આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસને સહકાર આપ્યા બાદ પણ નાના વરનોરા સ્ટેશન વિસ્તારમાં આવેલી મુસ્લિમ સમુદાયની આશરે 21 દુકાનોને માત્ર એક દિવસની નોટિસ આપીને તોડી પાડવામાં આવી. આ દુકાનદારોનો મૂળ બનાવ સાથે કોઈ સંબંધ ન હતો. દુકાનો તૂટવાથી અનેક પરિવારોનું રોજગાર છિનવાઈ ગયું છે અને તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતના નામે ડિમોલિશન માટે નોટિસો આપવામાં આવી હતી. આ નોટિસોમાં સહી, સિક્કા તથા વહીવટી પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા નાના વરનોરા ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ પસાર કરીને આ તમામ નોટિસો રદ કરી હતી. તેમ છતાં, તા. 15-6-2026 ના રોજ તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય સરકારી અધિકારીઓની હાજરીમાં મુસ્લિમ સમુદાયના 9 જેટલા કાયદેસરના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હોવાનો દાવો ગામલોકોએ કર્યો છે. ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે નાના વરનોરાના મુસ્લિમ રહેવાસીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જે દિવસે મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી તે સમયે આ મામલો હાઈકોર્ટ સમક્ષ વિચારાધીન હતો. આવેદનપત્રમાં આક્ષેપ છે કે ન્યાયિક પ્રક્રિયા અને હકીકતોને અવગણીને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે નાના વરનોરા અને રાયધણપરના યુવાનો વચ્ચેનો ઝઘડો એક સામાન્ય બનાવ હતો, પરંતુ તેને અનાવશ્યક રીતે મોટું સ્વરૂપ આપવામાં આવ્યું. વધુમાં જણાવાયું કે રાયધણપર ગામમાં યોજાયેલી કેટલીક સભાઓમાં ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં આવ્યા હતા, જેના કારણે કચ્છ જિલ્લાના શાંતિપૂર્ણ અને ભાઈચારાભર્યા વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થયો. આવેદનપત્રમાં માંગ કરાઈ છે કે આવા ઉશ્કેરણીજનક ભાષણ કરનારા તત્વો સામે પણ યોગ્ય કાનૂની કાર્યવાહી થવી જોઈએ. મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું કે માત્ર વરનોરા જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાં અનેક મસ્જિદો અને દરગાહોને ડિમોલિશનની નોટિસો પાઠવવામાં આવી છે. રાત્રીના અંધારામાં અચાનક વહીવટી તંત્રની ટુકડી પહોંચી જાય છે અને ધર્મસ્થાનો તોડી પાડે છે. આ એકતરફી અને મુસ્લિમ સમાજને નિશાન બનાવતી કામગીરીથી સમગ્ર સમાજમાં ભય અને આક્રોશનું વાતાવરણ છે. આ એકતરફી કાર્યવાહીના વિરોધમાં આજે કચ્છના ખૂણે ખૂણેથી મુસ્લિમ સમાજના લોકો ભુજ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. મહત્વનું છે કે આ રજૂઆતમાં મુસ્લિમ સમાજ ઉપરાંત હિન્દુ સમાજના આગેવાનો અને નાગરિકો પણ જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજીસલીમ જત અને અખિલ કચ્છ એહલે હદીસ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલવહાબ ભચુના અધ્યક્ષસ્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું. કચ્છના જાણીતા મુસ્લિમ અગ્રણી હાજીઆદમ ચાકીએ સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી કે, "કચ્છમાં હવે જો મુસ્લિમ ધર્મસ્થાનો વિરુદ્ધ રાજકારણ પ્રેરિત એકતરફી બુલડોઝર કાર્યવાહી થશે તો કચ્છનો સમગ્ર મુસ્લિમ સમાજ રસ્તા પર ઉતરશે અને જેલભરો આંદોલન છેડવામાં આવશે." આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસ અમદાવાદથી ભુજ આવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "સરકારી અધિકારીઓએ કોઈપણ રાજકીય દબાણ કે પ્રભાવમાં આવ્યા વગર માત્ર ભારતીય બંધારણ મુજબ પોતાની ફરજ બજાવવી જોઈએ. જો કોઈ અધિકારી કાયદા અને પોતાને મળેલી સત્તાની ઉપરવટ જઈને એકતરફી કાર્યવાહી કરશે તો તેમની સામે અમે ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમકોર્ટ સુધી ન્યાયિક લડત આપીશું. આ આવેદનપત્ર કાર્યક્રમમાં કચ્છના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાજીસલીમ જત, અબ્દુલવહાબ ભચુ, હાજીઆદમ ચાકી, મુજાહિદ નફિસ, ભીમ આર્મીના કમલેશ ધવલ, હાજીજુમા રાયમા, હાજીઈબ્રાહીમ હાલેપોત્રા, શકીલ સમા, મોહસિન હિંગોરજા, ઈકબાલ જત, મોહમદ લાખા, ઈકબાલ મંધરા, સાલેમામદ પડેયાર, અબ્દુલ રાયમા, આદમ પડેયાર, અલીમોહંમદ હિંગોરજા, જુસબ બાફણ, જુમા નોડે, લક્ષ્મણ વાઘેલા, અનામિ સરણ, માવજીભાઈ, અશરફ બાવા, રિયાઝ ચાકી, રઝાક ચાકી, નૂરમામદ મંધરા, રમઝાન સુમરા, મામદરહીમ જત સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.