-
Today 23-08-2026 04:06:am


ભુજ શહેરના પ્રવેશદ્વાર સમાન ભીડ નાકા પાસે આવેલ ઘાસચારા માર્કેટ હાલ જાહેર આરોગ્ય માટે મોટો ખતરો બની ગયો છે. ચોમાસાની શરૂઆત સાથે જ અહીં ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે પશુપાલકો અને સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘાસચારા માર્કેટની એકદમ બાજુમાંથી પસાર થતો વરસાદી નાળો છેલ્લા ઘણા સમયથી જામ થઈ ગયો છે. પરિણામે વરસાદી પાણી સાથે ગટરનું ગંદુ પાણી પણ આ વિસ્તારમાં ભરાઈ રહે છે. દિવસો સુધી આ ગંદુ પાણી ઉભું રહેવાથી સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે. સૌથી વધુ અસર પશુઓને થઈ રહી છે. જિલ્લાભરમાંથી ઘાસચારો ખરીદવા આવતા પશુઓ, ખાસ કરીને ગાયો, આ ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. જેના કારણે તેમના પગમાં ચેપ, આંચળમાં ઇન્ફેક્શન જેવી બીમારીઓ થવાની ફરિયાદો પશુપાલકોએ કરી છે. પશુપાલકોનું કહેવું છે કે "અહીં આવવું એટલે અમારા પશુઓને બીમારી વહોરી લેવા જેવું છે."
ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. વેપારીઓ અને ખરીદદારોને દુર્ગંધના કારણે ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાનો ભય વ્યક્ત કર્યો છે. આ સમસ્યાને લઈને ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ઘાસચારા માર્કેટનું તાત્કાલિક સ્થળાંતર કરવા, વરસાદી નાળાની સફાઈ અને ફોગિંગની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે પ્રશાસન આ જાહેર હિતના પ્રશ્નને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે ઉકેલ લાવે છે.
નગરપાલિકા માં રજૂઆત પૂર્વે આજે મહમદ એ. લાખા, મામદ ખલીફા અને ગુલામસા શેખ સહિતના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી. તેઓ સમગ્ર સમય દરમિયાન ખડે પગે રહીને ગંદકી, વરસાદી નાળામાં ભરાયેલા પાણી અને પશુઓને થતી તકલીફનું નિરીક્ષણ કર્યું. આગેવાનોએ જણાવ્યું કે ગંદા પાણીના કારણે પશુઓને ચેપ લાગી રહ્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ત્રણેય આગેવાનોએ સંયુક્ત રીતે નગરપાલિકાને તાત્કાલિક માર્કેટનું સ્થળાંતર કરવા અને સફાઈ કામગીરી કરવા માંગ કરી છે.