-
Today 20-10-2026 08:12:am


કચ્છમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં દેશી-વિદેશી દારૂ, ગાંજો, અફીણ અને અન્ય માદક દ્રવ્યોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી હોવાનો આક્ષેપ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કર્યો છે. સમિતિના પ્રમુખ સલીમ જત દ્વારા સરકારને લેખિત રજૂઆત કરવામા આવી હતી કે આ પ્રકારની પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલતી હોય અને સ્થાનિક તંત્રને જાણ ન થાય તે શક્ય નથી. ગેરકાયદેસર માલ કયા માર્ગે કચ્છમાં પ્રવેશે છે અને આવા ધંધાઓ સામે સમયસર કાર્યવાહી કેમ થતી નથી તેની ઉચ્ચસ્તરીય, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ થવી જોઈએ. સમિતિએ કહ્યું કે કચ્છની યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવી જરૂરી છે, તેથી આને માત્ર સામાન્ય ફરિયાદ નહીં પરંતુ જાહેર હિતની ગંભીર રજૂઆત તરીકે લેવામાં આવે. સમિતિએ સરકાર સમક્ષ 9 મુખ્ય પ્રશ્નો ઉઠાવ્યા છે. જેમાં દારૂ-ડ્રગ્સનો મોટો જથ્થો ક્યાંથી આવે છે, સુરજબારી પુલ પરની ચેકિંગ કેટલી અસરકારક છે, મોટી રેડ બાદ સપ્લાય ચેઇન સુધી તપાસ થઈ કે નહીં અને સરકારી કર્મચારીઓની સંડોવણી જેવા મુદ્દા સામેલ છે. સાથે જ સમિતિએ માંગ કરી કે જો કોઈ પોલીસ કર્મચારીની સંડોવણી હોય તો તેની આવકના સ્ત્રોત, મિલકતો, બેંક વ્યવહારો અને સગાઓના વ્યવહારોની પણ તપાસ થાય. લાંબા સમયથી એક જ સંવેદનશીલ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરીની સમીક્ષા થાય. અગાઉ સસ્પેન્ડ થયા બાદ ફરી નિમણૂક પામેલા કર્મચારીઓના કારણોની પણ તપાસ થાય. સ્થાનિક સ્તરે પ્રભાવ ન પડે તે માટે આખી તપાસ કચ્છ જિલ્લા બહારની ઉચ્ચસ્તરીય અથવા સ્વતંત્ર એજન્સીને સોંપવાની માંગ કરી છે. જો કોઈ અધિકારી બેદરકારી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો સાબિત થાય તો તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની અને જો આક્ષેપ તથ્યવિહોણો હોય તો તે પણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.