-
Today 20-10-2026 08:12:am


પશ્ચિમ કચ્છ-ભુજ LCBએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગતી એક આંતરાજ્ય ગેંગનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ `madhav571` નામની બનાવટી ઈન્સ્ટાગ્રામ ID બનાવીને તેના પર ભારતીય ચલણી નોટો અને સસ્તા સોનાના બિસ્કીટના આકર્ષક ફોટા તથા વીડિયો અપલોડ કરતા હતા. બજાર ભાવથી ઘણા ઓછા ભાવે સોનું આપવાની લોભામણી જાહેરાતો કરીને લોકોનો વિશ્વાસ કેળવીને છેતરપિંડી આચરતા હતા. આ અંગે મળેલી બાતમીના આધારે LCBની ટીમે ભુજના ગીતા કોલેજ પાછળ, સાર્વજનિક પ્લોટ પાસેથી ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સુલતાન સુલેમાન કુંભાર, બસીર હાસમ કાતીયાર, સાજીદ સુલેમાન કુંભાર, અસગર સુલેમાન કાતીયાર અને ફહીમ અલીમહમદ સોઢાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભુજના રહેવાસી છે. પૂછપરછ દરમિયાન આરોપી બસીર હાસમ કાતીયારે કબૂલાત કરી હતી કે `madhav571` નામની ઈન્સ્ટાગ્રામ ID તેણે જ બનાવી હતી અને તેના દ્વારા જ લોકોને ફસાવવામાં આવતા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આરોપીઓ પાસેથી કુલ ₹3,62,44,300/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં રોકડ, મોબાઈલ ફોન, બેંકના દસ્તાવેજો અને છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા અન્ય સાધનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 1080/2025, ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4), 338, 336(3), 340(2) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પો.ઈન્સ. કે.બી. ઝાલા, પો.સ.ઈ. એન.કે. ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી.
પશ્ચિમ કચ્છ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં સસ્તા સોના, રોકાણ કે લોટરીની લોભામણી જાહેરાતોથી સાવધાન રહો. કોઈપણ પ્રકારનો ઓનલાઈન વ્યવહાર કરતા પહેલા તેની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ID જોવા મળે તો તાત્કાલિક LCB પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક કરો. પોલીસનો સંપર્ક નંબર 02832-258026 અને ઈમેલ lcb-police-kut@gujarat.gov.in છે.