-
Today 22-12-2024 04:55:am
મહુવા પાસે તલગાજરડા ખાતે આજે ૨૦૨૪ ના પચ્ચીસમા એવૉર્ડ માટે મુંબઈના પ્રસિદ્ધ કવિ કમલ વોરાની પસંદગી કરવામાં આવી હતી.. કવિ નીતિન વડગામાના સંચાલન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમા ભાવનગરની ૐ શિવ સંસ્થા દ્વારા "આજની ઘડી તે રળિયામણી" ની ધૂન ઉપર લોકનૃત્યની દર્શનીય પ્રસ્તુતિ કરાઈ. પ્રસિદ્ધ ગાયક સુરેશ જોશીએ સુમધુર સ્વરે નરસિંહ મહેતાની પદ રચનાની પ્રસ્તુતિ કરી. સંસ્થાના ટ્રસ્ટી, કવિ દલપત પઢિયારે આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં પોતાની પદ્ય રચનાનું ગાન કર્યું. કવિ રાજેશ પંડ્યાએ એવૉર્ડ કવિ કમલ વોરાની કવિતાની રસ સૃષ્ટિનું શ્રોતાઓને રસપાન કરાવ્યું. રઘુવીર ચૌધરીએ પોતાની લાક્ષણિક શૈલીમાં કમલભાઈ ના કવિ કર્મ ને બિરદાવ્યું. અવોર્ડ થી વિભૂષિત થયેલા કવિ કમલભાઈએ પોતાની કાવ્ય રચનાઓનું પઠન કર્યું. એવૉર્ડ સમારોહના સમાપનમાં પૂજ્ય બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું આજના સંધ્યા આરતીના ટાણે, એવૉર્ડ રૂપી અર્ઘ્ય સ્વીકારવા બદલ કવિ કમલભાઇને અભિનંદન સાથે ધન્યવાદ આપ્યા. પૂજ્ય બાપુએ કહ્યું કે કવિતામાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ હોય છે. કવિતામાં શબ્દ તો હોય જ. શબ્દ વિહોણી કવિતા ન હોઇ શકે. તેથી કવિતા જો કવિતા છે, તો ત્યાં બ્રહ્મ છે અને બ્રહ્મ હોય ત્યાં આકાશ હોય. શબ્દ આકાશનું છોરૂં છે. બાપુએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે કવિતા સ્પર્શ પણ બને છે. કમલભાઇની કવિતા બાપુને સ્પર્શી ગઇ. એ જ રીતે કવિતાને ગંધ પણ હોય છે, એની "નૂરાની ખુશ્બુ" હોય છે. પણ શબ્દની ગંધને પારખી શકે એવા નાક ભગવાને બહુ ઓછા બનાવ્યા છે! કવિતાના સંદર્ભમાં બાપુએ કહ્યું કે શબ્દ એક આકાર પકડે છે, એનું એક રૂપ ઘડાય છે! બાપુએ સ્વાનુભાવ વર્ણવતા કહ્યું કે માનસનો પાઠ કરતા ક્યારેક તેમને શબ્દ આકારિત થતો અનુભવાય છે. શબ્દનો એક રસ પણ હોય છે. સાહિત્યના નવે નવ રસ કવિતામાં રાસ લેતા હોય એવો રસ પોતે અનુભવ્યો છે. આ પ્રસંગે કવિ વીનોદ જોશીના પ્રબંધ કાવ્ય સૈરંધ્રી ના હિંદી અનુવાદના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. એવોર્ડ સમારંભ પછી સૈરંધ્રી કાવ્યની નૃત્ય નાટીકા પ્રસ્તૂત કરાઈ હતી.