-
Today 22-12-2024 04:59:am
એશિયાઈ સિંહો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત અને માત્ર ગુજરાતના જૂનાગઢ ફોરેસ્ટ રેન્જમાં જોવા મળતા હોય છે. વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઇ રહ્યું છે જેના પરિણામે હવે બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો- પ્રવાસીઓને ગુજરાતનું ગૌરવ સમાન એશિયાઈ સિંહ નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે ૬૭૪ એશિયાઈ સિંહો જોવા મળે છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે તેમ, શ્રીવાસ્તવે ઉમેર્યું હતું. લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે,જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું અને પક્ષીઓની ૨૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિસૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિ નિહાળવાની અનોખી તક આપે છે. સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે. બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે ૨૧૫ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી ૧૯૨.૩૧ ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે ૦૬ કલાકથી સાંજે ૦૪ વાગે સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. ૧૬ ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. ૦૧ માર્ચ થી ૧૫ જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે. એશિઆઈ સિહોના આ નવા આવાસ સ્થાનના સફર માટે બરડાના જીવંત ડુંગરો અને નદી કિનારાના નયનરમ્ય સૌંદર્યમાં ખોવાઈ જવા માટે થઈ જાવ તૈયાર, બરડા વન્યજીવ અભયારણ્ય સમૃદ્ધ જૈવવિવિધતાની યાદગાર મુલાકાત આપના હૃદયને એક અનોખી શાંતિ અને કુદરતના આહ્લાદક અનુભવની અવિસ્મરણીય યાદોથી ભરી દેશે.