-
Today 22-12-2024 05:29:am
વ્યાજખોરોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિ હાલ કચ્છમાં પ્રવત્તિ રહી છે. ભુજપુરના 28 વર્ષના યુવાનને આદિપુરના શ્યામ ગઢવી અને અન્ય બે શખ્શોએ તેના ગામમાં જ છરી મારીને પતાવી દીધો હતો. ઈમ્તિયાઝ ચાકીની માતા રશીદાબેને મોડી રાત્રે મુન્દ્રા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. રશીદાબેને પોલીસને આપેલી વિગત પ્રમાણે શુક્રવારે સાંજે 6:00 વાગ્યા આસપાસ શ્યામ અને તેની ટુકડી તેમના ઘરે આવી હતી અને તેમના પુત્ર અંગે પૂછપરછ કરી હતી અને ધાકધમકી આપી અમારે તેની પાસેથી નાણા વસૂલવાના છે એવું કહ્યું હતું. તે સમયે પુત્ર ઘરમાં હાજર ન હોવાથી રસીદાબેને તે હોટલમાં હશે તેવું જણાવતા ત્રિપુટી જતી રહી હતી. જોકે થોડીવાર પછી તેઓ પરત આવ્યા હતા અને ફળિયામાં અડડો જમાવ્યો અને રસીદાબેન પાસેથી ઈમ્તિયાઝને ફોન લગાવડાવ્યો હતો. રશીદાબેન એ ઘણી કાકલૂદી કરી હતી કે અમે એકાદ બે દિવસમાં તમારા પૈસા પરત આપી દેશું. આ સમયે તેમનો ફોન લઈને ઈમ્તિયાઝને ધમકી આપી હતી કે પૈસા તો અમે વસુલી લેશું નહિ તો તને જાનથી પતાવી દેશું. રશીદાબેન ના નિવેદન પ્રમાણે ઈમ્તિયાઝ ને ફોન પર તેમની સામે ઉભેલા શખ્શે કહ્યું હતું કે હું શ્યામ ગઢવી આદિપુર વાળો બોલું છું અને મારા નાણા પરત આપી દેજે નહિતર તને જાનથી મારી નાખશું. રશીદાબેન તેમને શાંત કરી ચા પાણી પીવડાવીને રવાના કર્યા હતા પરંતુ થોડીવાર પછી ફરી શ્યામ આવીને તેમના ફળિયામાં બાંધેલો ઘોડો છોડીને લઈ ગયો હતો ત્યારે પણ રસીદાબેને મન મનાવ્યું કે ભલે તમે ઘોડો લઈ જાઓ અને પૈસાની મેટર પૂરી કરો પરંતુ રશીદાબેન ને ખ્યાલ ન હતો કે આ લોકો કેટલી હદે ક્રૂર બની જશે. આ ઘટનાના થોડા સમય બાદ તેમના પાડોશીઓએ આવીને તેમને જાણ કરી હતી કે તમારા દીકરાને સ્કૂલ પાસે અમુક લોકો મારી રહ્યા છે તેથી તેઓ દોડતા ત્યાં ગયા ત્યારે ઈમ્તિયાઝ લોહી નિંગળતી હાલમાં પડ્યો હતો . સ્થાનિક લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડવા માટેના પ્રયત્ન કર્યા હતા પરંતુ સાથળના ભાગે લાગેલા છરીના ઘા અને ખૂબ જ લોહી વહી જવાથી તે ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બનતા જ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવવાના પ્રયત્ન કર્યા હતા. છડે ચોક ગામની શાળા પાસે હત્યાનો બનાવ બને એ ખૂબ જ ગંભીર બાબત ગણાય. ફરિયાદ ના પગલે હવે પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે.