-
Today 22-12-2024 05:26:am
મુન્દ્રાના કુન્દ્રોડી ગામ ની વિધવા મહિલા મીનાબા હરિસિંહ ચૌહાણ ગત માસની ત્રણ તારીખે ગુમ થતાં તેના પરિવારે પ્રાગપર પોલીસ મથકમાં ગુમનોંધ કરાવી હતી. પોલીસને જણાવ્યા પ્રમાણે તેમના બંને બાળકોને પિયર જાઉં છું તેમ કહીને ગયા હતા અને ત્યારથી લાપતા હતા. આ દરમિયાન એક સપ્તાહ પૂર્વે અમદાવાદ ગ્રામ્ય હેઠળ આવતા દેત્રોજ ગામના સીમાડે વરસાદી પાણીના નાલા પાસે એક અજાણી મહિલા ની લાશ મળતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. એલ સી બી એ પોતાની રીતે આસપાસ તપાસ કરતા શંકા ની સોય તે નજીક જ રહેતા ગોવિંદજી ઠાકોર ઉપર જઈને અટકી હતી. પોલીસે ગોવિંદને ઝડપી પાડીને આગવી ઢબે સરભરા કરતા ગોવિંદે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ગોવિંદે કરેલી કબુલાત પ્રમાણે મીનાબા તેના ઘેરથી વારંવાર પિયરનું બહાનું કરીને તેને મળવા આવતી. ગોવિંદજી ઠાકોર અને મીનાબા વચ્ચે બંને એક જ ગામના હોવાથી આંખ મળી ગઈ હતી અને મીનાબા વિધવા થયા પછી ફરી એક વખત પ્રેમનો તંતુ સંધાયો હતો. આ બંને વારંવાર મળતા અને બંનેએ મંદિરમાં ગાંધર્વ વિવાહ પણ કરી લીધા હતા. મીના બા ને બે બાળકો હતા તો સામે ગોવિંદજી પર પરણિત હતો અને બે બાળકો નો પિતા હતો. આમ છતાં બંનેના સંબંધ ચાલુ હતા આ દરમિયાન છેલ્લા એક વર્ષથી મીનાબાને કોઈ રાજસ્થાની સાથે આડા સંબંધ હોવાની શંકા ગોવિંદજીને ગઈ હતી. હત્યા પૂર્વે બંને જ્યારે મળ્યા ત્યારે બંને વચ્ચે આ બાબતે ખૂબ જ ઝઘડો થયેલો અને ઉશ્કેરાટમાં ગોવિંદજી મીનાબાને માર મારતા બેહોશ થઈ ગઈ હતી ત્યારબાદ તે તેણી ને ઢસડીને નજીક આવેલા તળાવમાં લઈ ગયો હતો અને ડુબાડીને મારી નાખી હતી અને ત્યારબાદ નજીકના નાલામાં ફેંકીને પોતે પણ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે આ રહસ્યમય હત્યાકાંડનો ભેદ ઉકેલીને ગોવિંદને સળિયા પાછળ ધકેલી દીધો છે , પરંતુ કરમની મોટી કઠણાઈ એ છે કે ગોવિંદ અને મીના બંનેના સંતાનો નોંધારા થઈ ગયા છે.