-
Today 22-12-2024 04:46:am
કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે કચ્છ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી ૫સાર થતો રસ્તો કે જે 'રોડ ટુ હેવન' (NH-754k નો ભાગ) ના નામે ૫ણ ઓળખાય છે તેની પણ મુલાકાત લે છે. સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવનો વિસ્તાર ૫ર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ છે. પ્રવાસીઓ દ્વારા પ્રવાસ દરમિયાન પ્લાસ્ટીકની બોટલ્સ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જેવો કચરો સફેદ રણ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં અને તેને સંલગ્ન રણમાં ભરાયેલ પાણીમાં ફેંકવામાં ન આવે તે માટે પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે અને આ સ્થળોના સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય ૫રિસ્થિતિ જાળવવા માટે તેને 'Plastic Free Zone' જાહેર કરવા જરૂરી જણાય છે. કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડીને કચ્છ જિલ્લાની હદમાં આવેલા ધોરડો રણ ઉત્સવ વિસ્તારના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો ૨(બે)-૨(બે) કિ.મી.નો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને 'રોડ ટુ હેવન' (NH-754kનો કાઢવાંઢ તા.ભુજથી ધોળાવીરા ગામ એન્ટ્રી પોઈન્ટ સુધીનો રસ્તો અને તેની બંને બાજુના રણ વિસ્તારમાં તથા તેને સંલગ્ન રણમાં ભરાયેલ પાણીમાં) વિસ્તારમાં પ્લાસ્ટીકની બોટલ્સ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જાહેરમાં નાખવા ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૪થી તા.૧૩/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.