-
Today 22-12-2024 05:01:am
સામાન્ય લોકો ને કોઈ વાંધા તકરાર થાય તો તેઓ પોલીસ સ્ટેશનને મદદ માટે દોડી જતા હોય છે પરંતુ માંડવીમાં તો ઉલટી ગંગા જેવી ઘટના બનતા ચકચાર ફેલાઈ છે. અહીં તો અસામાજિક તત્વો એ અમારી ફરિયાદ ના આરોપીઓને પકડતા કેમ નથી કહીને પોલીસવાળાઓને જ મારમારી ને તેમની હત્યા કરવાની કોશિશ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી. સદભાગ્ય સ્ટેશનમાં હાજર રહેલા કર્મચારીઓએ ચારે આરોપીઓને પકડીને અંદર કરી દીધા હતા , આ સમગ્ર ઘટનામાં કોઈને જાન લેવા ઇજા નથી થઈ જોકે આરોપીઓનો હેતુ હત્યાનો હતો. આ સમગ્ર કેસ માં જેની પર હુમલો થયો એ માંડવીના હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી એક કેસની તપાસ કરી રહ્યા હતા. માંડવીના પુનશી અને તેના ભાઈ હરી ગઢવી તેમજ તેના બે સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા હરી ગઢવી ના ખાતામાંથી પોણો લાખ રૂપિયા જેટલા સાયબર ગઠીયા એ ફેરવી લીધા હતા અને આ અંગે તેમણે ફરિયાદ કરાવેલી ફરિયાદ ના પગલે પૈસા તો તેમને પરત મળી ગયા હતા પરંતુ આ કેસના તપાસ અધિકારી હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી અને તેઓ વારંવાર આરોપી ને પકડી પાડવા દબાણ કરી રહ્યા હતા. આરોપીઓના નંબર વિદેશમાં હોવાનું ખૂલેલું અને આ બાબત મેહુલ જોશી એ તેમને જાણ પણ કરી હતી ત્યારે આ બંને તેને જોઈ લેવાની ધમકી આપેલી. ગઈકાલે નાઈટ ડ્યુટી પર રહેલા હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી પોલીસ સ્ટેશનમાં હાજર છે તે જાણીને આરોપીઓ તેમને ફોન પર અપશબ્દ બોલી મારી નાખવાની ધમકી ઉચ્ચારેલી. અને પછીથી અડધી રાત્રે તેઓ તલવાર છરી ધોકા જેવા હથિયારો સાથે તેમના બે સાગરિતો શામળા થારુ ગઢવી અને ગોપાલરામ મીઢાણી સાથે પોલીસ સ્ટેશનને ઘસી ગયેલા અને હુમલો કરેલો. આ હુમલામાં મેહુલ જોશી ને થોડું લાગ્યું જ્યારે અન્ય પોલીસ કર્મચારીઓએ આ ચારેયને પકડી લીધા હતા. આરોપીઓ મચાયેલી ધમાલમાં પોલીસ સ્ટેશનના કાચ પણ તૂટી ગયા હતા. આરોપીઓની હિંમત તો જુઓ કે તેમને પોલીસ સ્ટેશનને હુમલો કરવા જતા પૂર્વે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોતે એટેક કરવાના છે એવી જાણ પણ કરી હતી. આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ એ માંડવી પોલીસ સ્ટેશનને દોડી જવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પુનશી ગઢવી અગાઉ તલાટી તરીકે કામ કરતો અને પાસાની હવા પણ ખાઈ આવ્યો છે અને તેની સામે અનેક ફરિયાદો વિવિધ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે. એકલદોકલ પોલીસ નહીં પરંતુ એક સંપ કરીને કાયદાના રક્ષકો જ્યાં બેસે છે તેવા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા બદલ આ ચારેય સામે ભારે કલમો અંતર્ગત ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.