-
Today 20-10-2026 08:12:am


કચ્છની મા જેવી ભૂમિ અને મહામુલી મિલકત સમાન પહાડોને આજે કોઈ *‘ઘોરખોદીયા’*ની જેમ અંદરથી કોતરી ખાઈ રહ્યું છે. પથ્થર ચોરોએ પહાડોને પણ વીંધી નાખ્યા છે. સરકારી તંત્રની ઉદાસીનતા અને ભ્રષ્ટાચારના કારણે કચ્છની ખનિજ સંપત્તિ બે હાથે લૂંટાઈ રહી છે. એક તરફ માંડવીના વાંઢ ગામમાં "ઉપરની ભલામણ"થી બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી ચાલે છે, તો બીજી તરફ ભુજની ખાણ-ખનિજ કચેરીના અધિકારી જ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. વાંઢ, માંડવી - રાત પડે એટલે ધરતી અને પહાડ ખોદાય માંડવી તાલુકાના વાંઢ ગામમાં સરકારી જમીનમાંથી બોક્સાઈટની ચોરી બેફામ ચાલી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે _“સૂરજ ઢળે ને સરકારી જમીનમાં હિટાચી ધણધણવા માંડે છે.”_ આટલું જ નહીં, કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં પથ્થર ચોરોએ કચ્છની મહામુલી મિલકત એવા પહાડોને પણ વીંધી નાખ્યા છે. પહાડોના પથ્થર કાઢીને ધરતીને ખોખલી કરી દેવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરના ‘મોટા માથા’ની ભલામણના કારણે જવાબદાર તંત્રો ફાટી આંખે આ ખેલ જોઈ રહ્યા છે. ‘ઉપરની’ પ્રસાદીના પગલે કોઈ તપાસ કે કાર્યવાહી થતી નથી. કચ્છની ભૂમિ અને પહાડો દિવસે દિવસે ખોખલા થઈ રહ્યા છે અને સરકારને કરોડોનું નુકસાન. ભુજ ખાણ-ખનિજ કચેરી - રખેવાળ જ લૂંટારો નીકળ્યો જ્યારે બહાર ધરતી-પહાડ ખોદાય ત્યારે અંદર શું થાય તેનો પુરાવો ACB એ આપ્યો. ભુજના મુંદરા રોડ પર આવેલ જોષી દહીંવડા ખાતે ACB એ છટકું ગોઠવીને વચેટિયાને 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો. પૂછપરછમાં ભુજ ખાણ-ખનિજ કચેરીના IT એક્ઝિક્યુટીવ *જીનીશ આચાર્ય* નું નામ ખુલતા જ તેને પણ પકડી લેવામાં આવ્યો. આરોપ: ફાઈલ પાસ કરાવવા માટે વચેટિયા મારફતે લાંચ માંગવામાં આવી હતી. આ બંને ઘટના સ્પષ્ટ કરે છે કે ખાણ-ખનિજ વિભાગમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી ચૂક્યો છે. જે તંત્રએ ભૂમિ અને કચ્છના પહાડોનું રક્ષણ કરવાનું છે તે જ તંત્ર જો લાંચ લેવામાં વ્યસ્ત હોય, તો કચ્છની મહામુલી મિલકતને ‘ઘોરખોદીયા’થી કોણ બચાવશે?ખનીજ માફીયાઓ ભુજ આશ્રમ ચાર રસ્તા મુન્દ્રા રોડ રિલાયન્સ સર્કલ પાસે થી રોજ ટોળા (પત્થર) ની ગાડીઓ લઈ નીકળે છે તંત્ર ની આખે પાટા બાંધેલા હોય ભુજ માં બિન્દાસ્ત ખનીજ ચોરો ની મોટી મોટી ગાડીઓ ફરે છે. કચ્છની પ્રજા પૂછી રહી છે: પથ્થર-બોક્સાઈટ ચોરો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે? કે પછી કચ્છના પહાડો પણ એક દિવસ નકશામાંથી ભૂંસાઈ જશે? હાલ બંને મામલે ACB અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ ચાલુ છે.