-
Today 09-08-2026 07:39:pm


યતીમખાના એહલે સુન્નત, ભુજ ખાતે આજે રવિવારના રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. યતીમ બાળકોના આરોગ્યની કાળજી લેવાના ઉમદા હેતુથી યોજાયેલા આ કેમ્પમાં 50 જેટલા બાળકોની વિનામૂલ્યે સઘન આરોગ્ય તપાસ કરવામાં આવી. શહેરના જાણીતા અને નામાંકિત ડૉક્ટર્સે પોતાનો કિંમતી રવિવાર યતીમ બાળકોની સેવામાં સમર્પિત કર્યો. *ડૉ. ફહીમ લાલા* - આંખના સર્જન, *ડૉ. અંકુર ધાનાણી* - ENT સર્જન અને *ડૉ. અલ્તાફ ખોજા* - ડેન્ટલ સર્જન પોતાના સંપૂર્ણ સ્ટાફ સાથે સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી સેવા આપવા હાજર રહ્યા હતા. રજાના દિવસે પણ બાળકો માટે સમય ફાળવનાર તમામ ડૉક્ટર્સ અને તેમના સ્ટાફની સેવાભાવનાને સૌએ બિરદાવી. *અત્યાધુનિક સાધનોનો ઉપયોગ* આંખની તપાસ માટે વિશ્વની શ્રેષ્ઠ ગણાતી *Canon Eye Care Machine*નો ઉપયોગ કરવામાં આવ્યો. આધુનિક મશીન દ્વારા બાળકોની આંખોની ઝીણવટભરી તપાસ કરાઈ. આ ઉપરાંત ENT અને દાંતની તપાસ પણ નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવી. જરૂરિયાતમંદ બાળકોને દવા તેમજ વધુ સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. મેનેજિંગ કમિટીના ચેરમેન મહંમદ અસલમ સમાં ખજાનચી મેમણ હાજી કરીમ અબ્દુલ્લાહ, સેક્રેટરી સૈયદ અશફાક હુસૈન અબ્દુલ શકુર શા સહિત સભ્યશ્રીઓ હાજી યાકુબ મેમણ, હાજી નઝીર અહમદ મેમણ અને હાજી ગની યુનિસ સોનારા કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે પાર પડી. યતીમખાના સંચાલકોએ માનવતા મ્હેકાવતા આ કાર્ય માટે તમામ ડૉક્ટર્સ અને તેમની ટીમનો આભાર માન્યો. આવા કેમ્પથી બાળકોના આરોગ્યની સમયસર કાળજી લઈ શકાય જેની તકેદારી યતીમખાના એહલે સુન્નત ભુજ ખાતે રાખવામાં આવે છે.