-
Today 22-12-2024 12:34:am
વાઈટ ડેઝર્ટ અને ખાવડા તરફ જતા મુખ્ય રસ્તા પર ભીરંડિયારા પાસે ટોલનાકુ બનાવવામાં આવ્યું છે . અહીં આવતા પ્રવાસીઓ ટોલ ચૂકવીને જતા હોય છે પરંતુ સ્થાનિક દોડતા મોટા ભારે ડમ્પરો અને વાહનો જે સામાન્ય માર્ગનું પણ નિકંદન ઓવરલોડ કરીને કાઢી નાખતા હોય છે અને આડેધડ ચાલતા હોય છે એ વાહનો એ હવે ટોલના પૈસા બચાવવા માટે આજુબાજુના ગામડાઓ ના રસ્તા પરથી પસાર થવાનું શરૂ કરતાં ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ભીરંડિયારા ખાતે ટોલના ચૂકવવો પડે તે માટે થઈને મોટા ડમ્પર સહિતના વાહનો છ્છી અને ભોજરડો રોડ પરથી પસાર થાય છે. નાનકડા એવા આ ગામો ના રોડ પરથી પસાર થતા વાહનો ગામ લોકો માટે ખૂબ જ હેરાનગતિનો સબબ બને છે. સતત વાહન ની અવરજવરના કારણે હેરાન થયેલા સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગને તેમજ કલેકટર સુધી આ અંગે રજૂઆત કરી છે આમ છતાં અત્યાર સુધી કોઇ જ પગલાં ન લેવાયા હોવાનું સ્થાનિક અગ્રણી અને કાર્યકર યાકુબ મુતવા એ જણાવ્યું હતું. મોટા ભારેખમ વાહનો જો આવી જ રીતે ચાલશે તો અકસ્માત નો સતત ભય ગ્રામજનો પર રહેશે તેના કારણે જ ગ્રામજનોએ હવે પોતે આ સમસ્યાનો ઉકેલ કરવા માટે રાતના સમયે તમામ રસ્તા બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. તંત્ર આ અંગે તાત્કાલિક જાગૃત થાય અને પગલા ભરે તો સ્થાનિકો માથેનો સતત રહેલો અકસ્માતનો ભય દૂર થાય અને જેના માટે ટોલનાકુ બનાવવામાં આવ્યું છે તેનો યોગ્ય ઉપયોગ થાય તો સરકારની તિજોરીમાં પણ આવક વધે.